ઇમ્ફાલ
મણિપુર અઢી મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. બિષ્ણુપુર અને ચુરાચંદપુર વચ્ચેનો થોરબુંગ વિસ્તાર શનિવારે સાંજે 7 વાગ્યે ગોળીબારથી ગુંજી રહ્યો છે. થોરબંગની શાળામાં કેટલાક લોકોએ આગ લગાવી હતી પછી અહીંથી ફાયરિંગ શરૂ કર્યું. કુકી સમુદાયના લોકો તેમના ગામ પર હુમલાના ડરથી રસ્તા પર ઊતરી આવ્યા હતા.
ભીડ મોટે ભાગે પુરુષોની હતી, તેમના ખભા પર રાઈફલ લટકેલી હતી અને હાથમાં ખાંગ (તલવાર જેવાં હથિયારો) હતાં. CRPF જવાનો જણાવે છે કે દર ત્રીજા-ચોથા દિવસે આ સ્થિતિ સર્જાય છે. ક્યારેક કુકી મૈતેઇ પર હુમલો કરે છે, તો ક્યારેક મૈતેઇ વસાહતને બાળી નાખે છે. સેફ હાઉસથી લગભગ 200 મીટર દૂર આસામ રાઈફલ્સ કેમ્પના કેટલાક જવાન એક ટ્રકમાં આવ્યા અને ભીડને ડરાવવા માટે 5-6 લોકોને લઈ જવા લાગ્યા. ત્યારે જ સેંકડો મહિલાઓ રસ્તા પર આવીને સૂત્રોચ્ચાર કરવા લાગી હતી. સવારે 4 વાગ્યા સુધી તૂટક તૂટક ગોળીબાર ચાલુ રહ્યો હતો. સવારે 9 વાગ્યે પરિસ્થિતિ સુધરી ત્યારે અમે ઇમ્ફાલ જવા રવાના થયા.
આ દરમિયાન રાજ્યના ભાજપના ધારાસભ્ય પાઓલિનલાલ હાઓકિપે કહ્યું કે રાજ્ય સરકાર પણ હિંસામાં સામેલ છે. સરકારની મિલીભગતને કારણે અઢી મહિના પછી પણ હિંસા પર કાબૂ મેળવી શકાયો નથી. તેમણે એક લેખમાં આ વાત કહી છે.પાઓલિનલાલ એ 10 ધારાસભ્યોમાં સામેલ છે જેમણે મે મહિનામાં મુખ્યપ્રધાન એન બિરેન સિંહને પત્ર લખીને રાજ્યમાં કુકી-પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ માટે અલગ વહીવટની માગણી કરી હતી.






