દુનિયાની 50% વસતી પર ડેન્ગ્યૂનું જોખમ તોળાઈ રહ્યું છે એટલે કે લગભગ 4 અબજ લોકો એવી જગ્યાઓ પર રહે છે જ્યાં ડેન્ગ્યૂની બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. દર વર્ષે 40 કરોડ લોકો તેનાથી સંક્રમિત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ગત અઠવાડિયે જ આ મામલે ચેતવણી જાહેર કરી હતી.
ભારતમાં એક વર્ષમાં દરરોજ સરેરાશ 600થી વધુ ડેન્ગ્યૂના કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી સંસદમાં આપેલા જવાબ અનુસાર ગત વર્ષે 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2,33,251 ડેન્ગ્યૂના કેસ સામે આવ્યા હતા. 1996માં પહેલીવાર કેર વર્તાવ્યા બાદ ભારતમાં ડેન્ગ્યૂનો ફેલાવો 1312% વધ્યો છે. નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ અનુસાર ડેન્ગ્યૂથી 2022માં 303 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
WHOના વૈશ્વિક કાર્યક્રમના પ્રમુખ ડૉ. રમન વેલાયુધને કહ્યું કે ડેન્ગ્યૂના કેસ સતત વધી રહ્યા છે. 2000ની સાલમાં દુનિયાભરમાં 5 લાખ કેસ સામે આવ્યા હતા. જોકે 2022માં તે વધીને 42 લાખને વટાવી ગયા છે એટલે કે ડેન્ગ્યૂના કેસમાં 8 ગણો વધારો નોંધાયો છે.
ડેન્ગ્યૂ સૌથી સામાન્ય વાયરલ સંક્રમણ છે જે મચ્છર દ્વારા લોકો સુધી ઝડપથી ફેલાય છે. ડેન્ગ્યૂથી પીડિત લોકો એકથી બે સપ્તાહમાં ઠીક થઈ જાય છે પણ અમુક લોકોને ગંભીર ડેન્ગ્યૂ થાય છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે. ડૉ. વેલાયુધન અનુસાર જ્યારે બીજી વખત આ સંક્રમણ થાય છે તો તે ઘાતક સાબિત થઈ શકે છે. તે એડીઝ પ્રજાતિના મચ્છરોથી ફેલાય છે. ડેન્ગ્યૂના તાવની કોઈ સારવાર નથી અને દવા પણ ઉપલબ્ધ નથી. તેમાં સામાન્ય રીતે તાવ અને પેઈનની દવાઓથી સારવાર કરાય છે.
યુરોપિયન યુનિયનના અધિકારીઓના અહેવાલ અનુસાર ક્લાઈમેટ ચેન્જને કારણે યુરોપમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય વાયરલ બીમારીઓનો ખતરો વધી ગયો છે. પૂર, વરસાદ અને ભીષણ ગરમીને કારણે ડેન્ગ્યૂના મચ્છરો વધી રહ્યા છે. ડબ્લ્યૂએચઓના નિષ્ણાતો અનુસાર પાણીની અછત હોય તો પણ ડેન્ગ્યૂનો મચ્છર જીવિત રહેવામાં સફળ રહે છે.
			

                                
                                



