રોડ, રેલ કે એર કનેક્ટિવિટીને વિકાસ સાથે સીધો સંબંધ છે. રાજકોટ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જીન રહ્યું છે અને નાના-મોટા અનેક ઉદ્યોગો (સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રી) અહીં વર્ષોથી ધમધમી રહ્યા છે. હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે તા.૨૭ જુલાઈના લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના ૫૦૦૦થી વધુ ઉદ્યોગ-ધંધાનો વિકાસ આસમાની ઊડાન ભરશે.
રાજકોટથી આ સુવિધા મળતા લોકોનો સમય બચશે. વળી વિદેશથી આવતા વેપારી, ડેલિગેટ્સ સમયના અભાવે અમદાવાદથી રાજકોટ આવવાનું ટાળતા. જેની વેપાર-ધંધા પર અસર થતી. જે હવે દૂર થશે. રાજકોથી દુબઈ, સિંગાપુર, વિયેતનામની કનેક્ટિવિટી મળવાનું શરૂ થતાં વિશ્વના મુખ્ય દેશોમાં વેપાર કરવો સરળ બનશે. વળી, કાર્ગો સેવા શરૂ થશે ત્યારે રાજકોટથી વિવિધ પ્રોડક્ટ્સના સેમ્પલ મોકલવા પણ સરળ બનશે મોરબી રાજકોટથી નજીક હોવાથી ૫૦૦ કરતાં પણ વધુ સિરામિક ઈન્ડસ્ટ્રીઝને તેનો સીધો લાભ મળશે.
આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાના પ્રારંભ સાથે રાજકોટ સહિત મોરબી, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓના વેપાર ધંધાને બુસ્ટ મળશે. સાથોસાથ પર્યટનની નવી ક્ષિતિજો જોવા મળશે. જેનો સીધો ફાયદો હોટેલ્સ અને ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને મળશે.