વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાસર એરપોર્ટ લોકાર્પણ માટે રાજકોટ આવી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન રેસકોર્સ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું છે જેમાં PM મોદીનાં હસ્તે ફ્લાય ઓવરબ્રિજ સહિત શહેરની સૌથી મોટી લાયબ્રેરી અને સૌની યોજના-3ની પાઈપલાઈન સહિત મનપાનાં કુલ રૂ. 234 કરોડના વિકાસ કામોનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની સાથે સૌરાષ્ટ્રના લોકોને જીવાદોરી સમાન SAUNI યોજના સંબંધિત મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના હેછળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ 9નું નિર્માણકાર્ય પૂર્ણ કરી લીધું છે. 27 જુલાઈના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “SAUNI યોજના એ વડાપ્રધાનશ્રીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 7 વર્ષોમાં 1203 કિલોમીટર પાઇપલાઇન બિછાવવામાં આવી છે અને 95 જળાશયો, 146 ગામોના તળાવો અને 927 ચેકડેમ્સમાં કુલ અંદાજિત 71,206 મિલિયન ક્યુબિક ફીટ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી લગભગ 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઇની સુવિધાઓમાં સુધાર થયો છે અને લગભગ 80 લાખની વસ્તીને પીના માટે મા નર્મદાના પાણી મળવા લાગ્યા છે.”