જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત ઈમારત ધરાશાયી થવાના કારણે એક જ પરિવારના ત્રણ લોકો સહિત ચારના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં બે પુત્રો અને પતિનું મોત નિપજતા આઘાતમાં પત્નીએ એસીડ ગટગટાવી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યા તેનું મોત થતા હસતો રમતો પરિવાર વિખેરાયો હતો.
જૂનાગઢ શહેરમાં રહેતા સંજયભાઈ ડાભી સોમવારે બપોરના સમયે રિક્ષામાં પોતાના પુત્ર દક્ષ અને તરુણ સાથે શાકભાજી લેવા માટે ગયા હતા. પિતા-પુત્રો જ્યારે કડિયાવાડ વિસ્તારમાં રિક્ષા લઈને પહોંચ્યા ત્યારે જ જર્જરિત ઈમારતનો કાટમાળ રિક્ષા પર પડતા ત્રણેય દટાઈ ગયા હતા અને બાદમાં શોધખોળમાં પિતા-પુત્રોના મૃતદેહ મળી આવતા ડાભી પરિવાર પર આભ ફાટ્યું હતું.