સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એમટી તરીકે સેવા આપનાર હેડ ક્વાર્ટરના કોન્સ્ટેબલે સાડીના વેપારની આડમાં દારૂની ખેપ મારતાં ઝડપીને બે લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ ચિંતન રાજ્યુગુરૂ સહિતના 3 સામે ગુનો દાખલ કરાવતા કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ભાવનગરના અને હાલ ઉત્રાણના રિવેરા એપાર્ટમેન્ટમાં રહેતા અજય સવાણી ઓનલાઇન સાડીનો વેપાર કરે છે. જેમાં અજયને વધારે કામ ન મળતા તે દારૂનો ધંધો કરવા લાગ્યો હતો. ગત તા. 23મીના રોજ બપોરે અજાણ્યાએ ફોન કરીને દારૂ મંગાવ્યો હતો. અજયે અજાણ્યાને નાના વરાછા ચોપાટી પાસે બોલાવ્યા હતા. ત્યાં અજય બોટલ આપવા ગયો હતો.થોડીવારમાં બીજીવાર ફોન આવતા અજય નાના વરાછાની તુલસી હોટેલ પાસે બીજી બોટલ આપવા માટે ગયો હતો. અજય અજાણ્યાને દારૂ આપવા જઇ રહ્યો હતો ત્યારે ત્યાં એક યુવકે તેનો કોલર પકડીને શું છે તારી પાસે..? કહી ગાળો આપી હતી. તેણે અજયને કારમાં બેસાડીને ધમકાવ્યો હતો. અમારી પાસે બીજી 10 બોટલ છે તે તારા નામે કરીને તને પાસા કરાવી દઇશ કહીને 5 લાખ માંગ્યા હતા. 2 લાખમાં સમાધાન થતા અજયે મિત્રો તેમજ ઘરેથી દવાખાનાનું કહીને 2.02 લાખ મંગાવી ત્રણેય અજાણ્યાને આપ્યા હતા. રૂપિયા લઇ ત્રણેયએ અજયને છોડીને ભાગી ગયા હતા.
બે દિવસ પહેલા બુટલેગર અજય સવાણી ફરિયાદ આપવા માટે કાપોદ્રા પોલીસ મથકે ગયો હતો. ત્યાં 12 દિવસની રજા બાદ હાજર થયેલા ચિંતન રાજ્યગુરુને જોઇ ગયો હતો. અજયે જોરથી બુમ પાડી કે, ‘મારી સાથે રૂપિયાનો તોડ કરનાર આ વ્યક્તિ હતો ’તેની સાથે જ ત્યાં પોલીસના અન્ય માણસો પણ ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ કાપોદ્રા પોલીસે ચિંતન રાજ્યગુરુ તેમજ તેના બે મિત્રોની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.