ગુજરાતમાં છોકરીઓ ગુમ થઈ રહી છે તે એક ચિંતાનો વિષય બન્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં એક રિપોર્ટ રજૂ કરીને સ્વીકાર્યું છે કે ગુજરાતમાંથી ગુમ થયેલી 365 છોકરીઓ કોઈ અતોપતો જ નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. જે મુજબ ગુજરાતમાં દર વર્ષે સરેરાશ દોઢ હજાર છોકરીઓ લાપતા થાય છે. અહીં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં સ્વીકાર્યું છે કે ગુજરાતમાં ગુમ થયેલી 18 વર્ષથી ઓછી વયની 365 છોકરીઓનો હજુ સુધી કોઈ અતોપતો જ નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં રજૂ કરેલ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વર્ષ 2017માં 1528 છોકરીઓ ગુમ થઈ હતી, જેમાંથી 1177 પરત મળી આવી હતી. જ્યારે 2018માં 1680 ગુમ થયેલ છોકરીઓમાંથી 1321 પરત મળી આવી હતી. 2019માં 1403, 2020માં 1345 અને 2021માં 1474 છોકરીઓ ગુમ થઈ હતી. જેમાંથી 2019માં 973, 2020માં 920 અને 2021માં 1109 છોકરીઓ પરત મળી આવી હતી. જ્યારે 365 છોકરીઓની હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી.
ગુજરાતમાં દરરોજ 18 વર્ષથી ઓછી વયની 4 છોકરીઓ કોઈને કોઈ કારણોસર ગુમ થાય છે, આ વાત નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા પરથી સાબિત થાય છે.