આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ 131 મીટરને પાર થઈ ગઈ છે.24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 17 સેમીનો વધારો થયો છે. જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 65 જળાશયો હાઇ એલર્ટ પર છે.
આજે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી131.04 મીટરે નોંધાઈ છે. આ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આ ડેમને મહત્તમ ભરાવવામાં હજી થોડા જ મીટરની વાર છે. હાલ પાણીની આવક 22,119 ક્યુસેક નોંધાઇ છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 57,017 ક્યૂસેક થઇ છે.જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં 44,144 ક્યૂસેક પાણીની જાવક થઇ છે. 24 કલાકમાં સપાટીમાં 17 સે.મી.નો વધારો થયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સોમવારે મળેલા અહેવાલો પ્રમાણે, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.