આજે (16 ઓગસ્ટ) ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજકીય અગ્રણીઓએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, આજે 140 કરોડ ભારતીયોની સાથે હું અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પીએમ મોદીએ આગળ લખ્યું, તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો.
તેમણે આપણા દેશની પ્રગતિને આગળ વધારવા અને તેને 21મી સદીમાં અનેક ક્ષેત્રોમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત બીજા કેટલાય પક્ષના આગેવાનોએ પણ વડાપ્રધાન વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વાજપેયી અમારા હરીફ હોવા છતાં પણ પ્રતિ પક્ષના વિચારોનો આદર કરવાની તેનું સન્માન કરવાની ભાવના તેમનામાં હતી. તેઓ વ્યક્તિગત આગ્રહો અને દુરાગ્રહોથી પર હતા.તેમના જેવો વિરોધી હોવો પણ અમારા માટે સન્માનની વાત છે. જ્યારે કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વાજપેયીજીએ રાજકારણીઓને લોકોને સાથે લઈને કેવી રીતે ચાલી શકાય તેનો માર્ગ દર્શાવ્યો હતો. એક જ પક્ષનું શાસન ચલાવવું પણ મુશ્કેલ હોય છે ત્યાં વાજપેયીએ 26 રાજકીય પક્ષોને સાથે રાખીને સત્તા ચલાવી હતી, કોંગ્રેસ તેમની પાસેથી ઘણું શીખી છે. આ જ પદાર્થપાઠના આધારે કોંગ્રેસે 2004માં જોડાણવાદી સરકારો બનાવી અને સફળતાથી ચલાવી. વૈચારિક સામ્યતા ધરાવતા રાજકીય પક્ષોને એક જ પ્લેટફોર્મ પર લાવીને સરકાર કેવી રીતે બનાવી શકાય તે વાજપેયીજીએ દર્શાવ્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ તેમને અંજલિ આપતા જણાવ્યું હતું કે તેઓ પક્ષ પૂર્વગ્રહથી દૂર હતા. તેઓ રાજધર્મમાં માનનારી વ્યક્તિ હતા, દરેક મતને તે આદર આપતા હતા અને સન્માન સાથે તેની સમક્ષ પોતાનો મત વ્યક્ત કરતા હતા. ભારતીય રાજકારણમાં તેમના જેવી વિભૂતિ મળવી મુશ્કેલ છે.