એપલ કંપની ટૂંક સમયમાં ભારતમાં વાયરલેસ ઇયર બડ્સ એરપોડ્સનું ઉત્પાદન શરૂ કરશે. આ પછી મેડ ઇન ઇન્ડિયા એરપોડ્સનો સમગ્ર વિશ્વમાં દબદબો વધી જશે. ફોક્સકોનની હૈદરાબાદ ફેક્ટરીમાં એપલ એર પોડ્સનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફોક્સકોન આઇફોન સહિત ઘણા એપલ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે.
ફોક્સકોને હૈદરાબાદ પ્લાન્ટ માટે US$ 400 મિલિયનના રોકાણની મંજૂરી આપી દીધી છે. તેમજ ડિસેમ્બર 2024 સુધીમાં આ પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક સ્ત્રોતને ટાંકીને આ માહિતી આપી છે. જોકે એપલ અને ફોક્સકોને હજુ સુધી આ માહિતીની પુષ્ટિ કરી નથી. ભારતમાં બનાવેલ Appleના iPhone પછી AirPods બીજી પ્રોડક્ટ હશે જેનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે. આ બીજી મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ હશે જે વિશ્વભરના માર્કેટમાં ઉપલબ્ધ થશે.