હિમાચલ તથા ઉતરાખંડમાં મેઘતાંડવથી બેહાલીની હાલત ઉદભવી છે, ત્યારે પાટનગર દિલ્હીમાં પણ ફરી પુરનો ખતરો સર્જાયો છે. યમુના નદીનું પાણી ખતરાના લેવલને પાર થઈ ગયુ છે. જુના રેલવે બ્રીજ પર યમુના નદીની સપાટી 205.39 મીટરે પહોંચી ગઈ હતી. સેન્ટ્રલ વોટર કમીશનના રીપોર્ટ પ્રમાણે નદીની સપાટી સતત વધી રહી છે.
205.33 મીટરની ખતરનાક સપાટી વટાવીને 205.39 મીટરે પહોંચી હતી. હિમાચલ તથા ઉતરાખંડમાં ભારે વરસાદને કારણે તેનુ પાણી ઠલવાતા યમુના નદીની સપાટી વધી છે. યમુનાની જળસપાટી વધતા ગત જુલાઈમાં પણ પાટનગર દિલ્હીમાં પુર સ્થિતિ સર્જાઈ હતી. 13મી જુલાઈએ જળસ્તર 208.66 મીટર સુધી પહોંચ્યું હતું ત્યારે 27000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને અબજો રૂપિયાની સંપતિને નુકશાન થયુ હતું.
 
			
 
                                 
                                



