કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વાડ્રાના આગોતરા જામીન પર સવાલો ઊઠાવ્યા હતા. EDએ આરોપ લગાવ્યો હતો કે તેમણે મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતોનું પાલન કર્યું નથી. તપાસ એજન્સી વતી કોર્ટમાં જણાવાયું કે તેઓ આ સાબિત કરવા માટે બીજું સોગંદનામું દાખલ કરશે. જે બાદ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. ED વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે રોબર્ટ વાડ્રા સામે જામીનની શરતોનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો હતો અને તેના માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો, ત્યારબાદ EDને કોર્ટે બે અઠવાડિયાનો સમય આપ્યો હતો. હવે આ મામલે સપ્ટેમ્બરમાં સુનાવણી થશે. જે બાદ વાડ્રાના જામીન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.ED દ્વારા આપવામાં આવેલી દલીલોને નકારી કાઢતા રોબર્ટ વાડ્રાના વકીલે કોર્ટને કહ્યું કે વાડ્રાએ દરેક વખતે તમામ શરતોનું કડકપણે પાલન કર્યું છે. જ્યારે પણ તેમને એજન્સી દ્વારા બોલાવવામાં આવ્યા ત્યારે તે હાજર થયા. વકીલે કહ્યું કે પુરાવા સાથે છેડછાડ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે કેસ સંબંધિત તમામ દસ્તાવેજો સીઝ કરી લેવામાં આવ્યા છે.