વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આજે સવારે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા હતા. તેઓ 22 થી 24 ઓગસ્ટ દરમિયાન જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. 2019 પછી પ્રથમ વખત બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ એક મંચ પર દેખાશે. કોરોનાવાયરસ રોગચાળાના ઉદભવ અને તેના પછીના વૈશ્વિક પ્રતિબંધો પછી બ્રિક્સ સમિટ પ્રથમ વખત રૂબરૂમાં યોજાશે.
PM મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે 22 થી 24 ઓગસ્ટ સુધી જોહાનિસબર્ગમાં રહેશે. આ દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળી શકે છે. સંમેલન બાદ આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દક્ષિણ આફ્રિકા તરફથી આમંત્રિત અન્ય દેશ શામેલ થશે. પીએમ મોદી જ્હોનિસબર્ગમાં હાજર કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે
દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાતે જતા પહેલા પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું, ‘હું રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર 22 થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં જોહાનિસબર્ગમાં આયોજિત 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લઈશ. હું જોહાનિસબર્ગમાં હાજર રહેલા કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરવા માટે પણ આતુર છું.
ગ્રીસની મુલાકાત અંગે પીએમ મોદીએ કહ્યું, ‘હું ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સની મુલાકાત લઈશ. આ પ્રાચીન ભૂમિની આ મારી પ્રથમ મુલાકાત હશે. મને 40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું ગૌરવ છે.





