કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિત 7 ગુનાના આરોપી જયંતિ ઠક્કર સામે પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ(PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે જયંતિ ઠક્કરની પાસા હેઠળ ધરપકડ કરી તેને ભાવનગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જયંતિ ઠક્કર વિરુદ્ધ ઠગાઈ, બેંક બોગસ લોન સહિતના સાત જેટલા ગુના નોધાયેલા છે. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા જયંતિ ઠક્કરને આ કેસમાં જામીન મળી ગયા બાદ અમદાવાદ રહેતો હતો. જોકે, થોડા દિવસ અગાઉ જયંતિ ઠક્કરની કચ્છમાં ચકચારી એક હની ટ્રેપ કેસમાં ફરીથી ધરપકડ થયા બાદ તેને ફરીથી જેલમાં ધકેલી દેવાયો હતો.
જોકે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાંથી નાદુરસ્ત તબિયતના આધારે રેગ્યુલર જામીન મળી ગયા હતા. પરિણામે જેલની બહાર રહેવાના પગલે સામજિક ભયનો માહોલ ઊભો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરને જયંતિ ઠક્કર સામે પાસા હેઠળ પગલાં લેવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને કલેક્ટરે મંજૂરી આપતા જ ભુજ એલ.સી.બી પોલીસે તેની ધરપકડ કરી ભાવનગર જેલમાં ધકેલી દીધો છે.






