ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવેથી ગુજરાતમાં ડિપ્લોમા ટુ ડિગ્રી એટલે કે D2Dમાં એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષથી ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, પ્રવેશ સમિતિ માટે બોર્ડ અને યુનિવર્સિટીની સંખ્યા વધુ હોવાને કારણે બેઠકોની ફાળવણી અને વિવિધ બોર્ડનું મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં જટીલતા રહેતી હતી. જેથી દરેક યુનિવર્સિટીની પરીક્ષાઓમાં એકસૂત્રતા લઈને એક મેરીટમાં લાવવું શક્ય ન હતું. આ વિસંગતતા, અસ્પષ્ટતા અને અસંતોષ ટાળવા માટે અને તમામ એકસમાન મંચ પર તમામ અરજદાર વિદ્યાર્થીઓને લાવીને ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષમાં લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા વર્ષ 2024થી લેવાનો નિર્ણય કરાયો છે
વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે, આ પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન આગામી ફેબ્રુઆરી 2024થછી શરૂ કરવામાં આવશે. ડિપ્લોમા ટુ ડિગ્રી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી વિવિધ બોર્ડનું મેરિટ લિસ્ટ તૈયાર કરવાની જટિલતાનો અંત આવશે.






