ટોરન્ટો (કેનેડા)
અમદાવાદના વૃદ્ધ પર કોઈ અજાણ્યા કેનેડીયન છરીના 17 ઘા ઝીંકી દેતા ગંભીર ઘાયલ થયા છે. વૃદ્ધ પોતાની દોઢ વર્ષની પૌત્રીને સ્ટ્રોલર પર બેસાડીને ફરવા નીકળ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. દાદા ગંભીર ઘાયલ થયા હતા છતાં પૌત્રીને બચાવી લીધી હતી. હુમલાખોર હાલ પોલીસ કસ્ટડીમાં છે, આ ઘટનાથી આક્રોશ ફેલાયો છે. પોલીસે પીડિતની ઔપચારીક ઓળખ કરી નથી. પરંતુ તેમના પુત્રએ જણાવ્યું હતું કે તેઓ 66 વર્ષીય દિલીપકુમાર ધોલાણી છે અને તેઓ અમદાવાદના રહેવાસી છે. તેઓ ગ્રેટર ટોરોન્ટોના ઓશાવા શહેરમાં પુત્રના પરિવારને મળવા માટે આવ્યાં હતાં.
ધોલાણી તેમના નિત્યક્રમ મુજબ દોઢ વર્ષની પૌત્રી લઈને બહાર ફરવા નીકળ્યાં હતા ત્યારે આ હુમલો થયો હતો. ધોલાણી હાલમાં ટોરોન્ટાના ટ્રોમા સેન્ટરમાં છે, જયાં તેમની હાલત ગંભીર છે. તેમના પુત્ર દિનેશ ધોલાનીએ જણાવ્યું કે તેમના પિતા નસીબદાર હતાં કે તેઓ છરાના 17 ઘા સહન કર્યા પછી બચી શકયા છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર વૃદ્ધ વ્યક્તિએ ખૂબ હિંમત દર્શાવી હતી અને જીવલેણ ઘા મારવામાં આવ્યા હોવા છતાં બાળકનું રક્ષણ કર્યું હતું. તેમણે બચાવો-બચાવોની બુમો પાડી હતી તથા પુત્રવધુ અને પાડોશી મદદ માટે ન આવે ત્યાં સુધી બાળકને છોડયું ન હતું. કથિત હુમલાખોરની ઓળખ 20 વર્ષીય નોહ ડેનિયર તરીકે થઈ હતી. આરોપી અગાઉ આ વિસ્તારોમાં રહેતો હતો. તે પોલીસ કસ્ટડીમાં છે અને તેના પર હુમલો અને હથિયાર વડે હુમલો કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. કેસની તપાસ કરી રહેલા ડરહામ પોલીસના પ્રવકતાએ જણાવ્યું હતું કે હુમલો રેન્ડમ હોવાનું જણાય છે. ડેનિયરને અગાઉથી અધિકારીઓ ઓળખતા હતાં.
આ ઘટનાને લઈને કેનેડામાં રહેતા ભારતીય સમુદાય અને કેનેડામાં આક્રોશ ફેલાયો છે. દિનેશ ધોલાણીએ કહ્યું હતું કે ખુની હુમલે કર્યો હોવા છતાં ડેનિયરને જામીન મળી જશે. પરિવારને આ હુમલા પાછળના હેતુની પણ ખબર નથી.





