રાજસ્થાનના કોટામાં મેડિકલ કોલેજમાં એડમિશનની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. આ સાથે કોટામાં આ વર્ષે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાનો આંકડો ૨૩ પર પહોંચી ગયો છે તો માત્ર ઓગસ્ટ મહિનામાં જ ૬ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
કોટામાં માત્ર છ કલાકમાં જ બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે જેને કારણે વિદ્યાર્થીજગતમાં શોકનો માહોલ છે. એક પછી એક થઇ રહેલી આત્મહત્યાઓથી સરકાર પણ ચોંકી ઉઠી છે અને તુરંત પગલા લેવાના શરૂ કર્યા છે. રાજ્ય સરકારે તુરંત પગલાં લેતા અહીંની કોચિંગ ઈન્સ્ટિટ્યૂટોને બે મહિના સુધી પરીક્ષા ન લેવાનો નિર્દેશ આપ્યો છે.
રવિવારે મહારાષ્ટ્રના ૧૬ વર્ષના વિદ્યાર્થીએ વિજ્ઞાન નગર વિસ્તારમાં સંસ્થાના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. સર્કલ ઓફિસરે જણાવ્યું કે બપોરે પરીક્ષા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના ૬ કલાક બાદ બિહારથી અહીં તૈયારી માટે આવેલા ૧૮ વર્ષના વિદ્યાર્થીએ રૂમમાં સીલિંગ ફેન સાથે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. તે કુનડી વિસ્તારમાં તેની બહેન સાથે રહેતો હતો. રવિવારે સાંજે વિદ્યાર્થીએ રૂમમાં પંખા સાથે લટકીને જીવનનો અંત આણ્યો હતો. શૈક્ષણિક કેન્દ્ર કોટામાં વિદ્યાર્થીઓની વધતી જતી આત્મહત્યા વાલીઓ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય બની છે.





