ડાકોર ખાતે ભગવાન રણછોડરાયનાં VIP દર્શન કરવા માટે પૈસા ચૂકવવાનાં મંદિરનાં ટ્રસ્ટ્રીઓનાં નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડાકોર ટેમ્પલ કમિટી VIP દર્શન મામલે પૂનમનાં બીજા દિવસે નિર્ણય પાછો ખેંચવાનો યુ ટર્ન લઈ શકે છે. મંદિર કમિટી દ્વારા નડીયાદમાં ચેરમેન ટ્રસ્ટ્રીઓ અને ભાજપનાં આગેવાનો, સરપંચ એસોસિયેશન, ક્ષત્રિય આગેવાનો સાથે મીટીંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પૂનમ પહેલા જાહેરાત ન થાય તો વિરોધ વધી શકે છે.
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયનાં VIP દર્શન કરવા માટે રૂ. 500 ચૂકવવા પડશે. જે નિર્ણયનો હિંન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો હતો. જ્યારે ભક્તો દ્વારા અલગ અલગ નિવેદન આપવામાં આવતા હતા. ત્યારે ડાકોરમાં VIP દર્શન મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે નિવેદન આપ્યું છે કે, મંદિરનાં ટ્રસ્ટ્રીઓ એમનાં સ્વાર્થ માટે રૂપિયા ઉઘરાવવાની વાત કરે છે. તેમજ પૂર્વ ધારાસભ્ય દ્વારા તો મંદિરનાં ટ્રસ્ટ્રીઓ પર કટકી કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે વધુમાં કાંતિ પરમારે જણાવ્યું હતું કે, ડાકોર અને ગુજરાતમાં રૂપિયાથી દર્શન હોવા જોઈએ. મંદિર પાસે ઘણા રૂપિયા છે છતાં ભક્તોને કોઈ સુવિધા અપાતી નથી. મંદિર ટ્રસ્ટ અને સંચાલકોને માત્ર રૂપિયા એકત્ર કરવા અને વહીવટમાં જ રસ છે. ત્યારે ડાકોર મંદિર કમિટીનો નિર્ણય તદ્દન ખોટો છે તેને તાત્કાલિક રદ્દ કરવો જોઈએ. મંદિર કમિટીનાં નિર્ણયનો ક્ષત્રિય સંગઠનો- સરપંચ તેમજ એસોસિએશન દ્વારા વિરોધ કર્યો છે.



