છેલ્લા 62 દિવસથી ચાલી રહેલી શ્રી અમરનાથ યાત્રા ગુરુવારે પવિત્ર ગુફામાં છડી મુબારકની પૂજા સાથે સંપન્ન થઈ. ભગવાન શિવના પ્રતિક છડી મુબારકને શ્રીનગરથી પહેલગામ અને પંચતારિણી લાવવામાં આવી. પંચતરિણીથી છડી મુબારકને પવિત્ર ગુફામાં લઈ જવામાં આવી હતી. તેની સાથે જ 1લી જુલાઈથી શરૂ થયેલી આ વર્ષની પવિત્ર અમરનાથની અંતિમ પૂજા કરવામાં આવી.
ચાલુ વર્ષે 4.4 લાખ શ્રદ્ધાળુઓએ દક્ષિણ કાશ્મીર ખાતે આવેલ અમરનાથ ગુફામાં પૂજા-અર્ચના કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાલતાલ અને પહેલગામ રૂટથી 1 જુલાઈથી શરૂ થયેલી યાત્રા દરમિયાન કુલ 4,45,338 શ્રદ્ધાળુઓએ કુદરતી રીતે બનેલા બરફ ‘શિવલિંગ’ના દર્શન કર્યા હતા. ભગવાન શિવની પવિત્ર ગદા, જેને ‘છડી મુબારક’ તરીકે ઓળખવામાં આવે છે, તેના સંરક્ષક મહંત દીપઇન્દ્ર ગિરીના નેતૃત્વમાં સાધુઓ અને ભક્તો ગુરુવારે વહેલી સવારે એક દિવસની પ્રાર્થના સેવા માટે પવિત્ર ગુફામાં પહોંચ્યું હતું. સાધુઓ અને ભક્તોનો સમૂહ પહેલગામથી 42 કિલોમીટરની પગયાત્રા કરીને ચંદનવારી, શેષનાગ અને પંચતરણી ખાતે રાત્રિ વિશ્રામ કરીને ગુફા મંદિર સુધી પહોંચ્યો હતો. અમરનાથ યાત્રાના અંતિમ દિવસે ભગવાન શિવને પવિત્ર છડી સોંપવામાં આવી હતી. છડી મુબારક એ ભગવા કપડામાં લપેટી ભગવાન શિવની પવિત્ર છડી છે, જે ઉગતા સૂર્ય સાથે પવિત્ર ગુફામાં સ્થાપિત કરવામાં આવે છે અને બાદમાં શ્રીનગર પરત લાવવામાં આવે છે.






