આ વિવાદ વચ્ચે 31 ઓગસ્ટની સાંજે ખંભાતમાં નૂતન સંત નિવાસ ઉદ્ઘાટન સમારોહમાં વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીએ પ્રવચન દરમિયાન કહ્યું કે, ક્યારેય કોઈ દેવી-દેવતાઓનું કોઈ સંતો અપમાન કરતા હોય તો તે ગ્રાહ્ય નથી. તેની સાથે સાથે સ્વામિનારાયણ એ ભગવાન છે અને એ ભગવાનની વાતને જો કોઈપણ ટાળવાનો પ્રયત્ન કરતું હોય તો એ વ્યાજબી નથી, જરાપણ અંશે માફ કરવા માટે પણ યોગ્ય નથી. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે, આપણા સૌ સંપ્રદાયના સત્સંગીઓએ આ બાબતમાં નિડર રહેવું ક્યારેય પણ કોઈ પાજી-પાલવની છાયામાં દબાવવું નહીં. કોઈપણ વાત કરે તો સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રોના આધારે એને જવાબ આપવો, સત્સંગી જીવન, વચનામૃત અને શિક્ષાપત્રી એ આપણું લેન્ડમાર્ક છે અને સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયે ગુજરાતને ઘણું આપ્યું છે એ આપણે ડંકાની ચોટ પર કહી શકીએ છીએ.
‘સૌ સંતોને પણ વિનંતિ કરું છું કે, આપણે સૌ સંતોએ સાથે મળીને તમામ 127 જેટલા સંપ્રદાયોએ આપણી સનાતન વૈદિક પરંપરાના છે એ સૌએ સાથે મળીને આપણા હિન્દુ સનાતન ધર્મને મજબૂત કરવાની જરૂર છે. કોઈ માણસો જ્યારે હિન્દુ ધર્મને જ્યારે નુકસાન કરતા હોય અને એવી પરિસ્થિતિમાંથી ભારતીય સંસ્કૃતિ પસાર થઈ રહી છે ત્યારે બધા સંપ્રદાયોએ એક થઈ એનો સામનો કરવાની જરૂર છે નહીં કે અંદરો અંદર એકબીજાની ટાંટીયા ખેંચવાની પ્રવૃત્તિ કરવાનો.’ નૌતમ સ્વામિ આગળ કહે છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય એ સર્વાંગી રીતે ગુજરાતનો પોષક છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ ગુજરાતના તમામ પ્રકારે, ગુજરાતની સંસ્કૃતિને, ગુજરાતના તમામ ધર્મોને પણ પોષણ આપનારા છે એટલે સંતો, જે ઇત્તર સંપ્રદાયોના છે, અખાડાના છે એને પણ મારી વિનંતિ છે જે બુદ્ધિશાળી સંતો છે એમણે વૈચારિક ભૂમિકાથી સમજી વિચારીને વાત કરવી જોઇએ, સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું જે સહન નથી કરી શકતા એવા લોકોની માટે મારે કોઈ વાત નથી કરવી. પરંતુ સ્વામિનારાયણ ભગવાન છે, એવું જે માને છે એ અમે નથી કહેતા વેદવ્યાસજીથી લઈને તમામ પુરાણોમાં આ વાત છે.





