કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 5 સપ્ટેમ્બરનાવિપક્ષી ગઠબંધન I.N.D.I.Aના સાંસદોની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં સંસદના વિશેષ સત્ર અંગે રણનીતિ ઘડવામાં આવશે.બેઠકમાં વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના સભ્યોને બોલાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહ્યું કે, પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમાન વિચારધારાવાળા વિપક્ષી દળોના સાંસદોની બેઠક બોલાવી છે. બેઠકમાં આગામી સત્રના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. આ અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે પક્ષના સંગઠનાત્મક મુદ્દાઓ અને રાજકીય પરિસ્થિતિ પર વાત થઈ.
આઝાદી બાદથી અત્યાર સુધી સંસદમાં કુલ 6 વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1997માં વધુમાં વધુ 6 દિવસ માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. જે આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા પર બોલાવવામાં આવ્યું હતું. જાણકારોનું કહેવું છે કે, સરકારમાં અત્યાર સુધી બોલાવવામાં આવેલા તમામ વિશેષ સત્રોમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વખતે પણ કંઈક ખાસ અને મોટું થઈ શકે છે. જે બાબતે વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી છે.
અગાઉ સંસદનું ચોમાસુ સત્ર 20મી જુલાઈથી 11મી ઓગસ્ટ સુધી ચાલ્યુ હતુ. મણિપુરમાં હિંસા અંગે સત્રમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષ મણિપુર પર પીએમના નિવેદન પર ચર્ચા કરવા પર અડગ રહ્યા હતા, જ્યારે સરકાર ગૃહ મંત્રીએ જવાબ સાથે ચર્ચા કરવા આગ્રહ કર્યો હતો. આ અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર મડાગાંઠ સર્જાઈ હતી. આ પછી કોંગ્રેસે મણિપુર મુદ્દે લોકસભામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો.



