ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપની મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે વિક્ષેપ પડેલી આ મેચ ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીતી લીધી હતી. મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 231 રનની જરૂર હતી. પરંતુ વરસાદના કારણે ભારતને DLS નિયમો અનુસાર 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 20.1માં જ મેળવી લીધો હતો. જણાવી દઈએ કે ભારતે હવે સુપર 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
વરસાદથી વિક્ષેપિત મેચમાં ભારતે નેપાળને ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને હરાવ્યું હતું. ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 20.1 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 74 રનની ઇનિંગ રમી હતી, જ્યારે શુભમન ગિલે 62 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં 10 વિકેટે જીત મેળવી છે.






