અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતના નવા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરત મનપાની અઢી વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થતાં મંગળવારે સવારે સરદાર સભાગૃહ ખાતે ખાસ સભા બોલાવવામાં આવી હતી. જેમાં હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
સુરત મનપાના શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દંડક તરીકે ધર્મેશ વણીયાવાળાની વરણી કરવામાં આવી છે. આજે ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પક્ષ દ્વારા આપવામાં આવેલા મૅન્ડેટને લઈને પાલિકા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના તમામ કોર્પોરેટરો સાથે સંકલન બેઠક કરી હતી. જે બાદ મૅન્ડેટ થકી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકના નામો જાહેર કરવામાં આવ્યા છે.





