ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ સનેસ ગામ નજીક બંધ ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં મહિલા સહિત બે વ્યક્તિના મોત થયા હતા, જ્યારે ૧૦ જેટલા મુસાફરોને ઇજા તથા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ત્રણ વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતની આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર અમદાવાદ રોડ પર આવેલ સનેસ ગામ નજીક ગત મોડી રાત્રીના અઢી વાગ્યા આસપાસ રોડ સાઈડ પર બંધ હાલતે ઉભેલા ટ્રકની પાછળ સુરત તરફથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસ ધડાકા સાથે અથડાતા બસમાં મુસાફરી કરે રહેલા ૧૦ થી વધુ લોકોને નાની મોટી ઈજા થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની ડાબી તરફનું પડખું ચિરાઈ ગયુ હતું.
અકસ્માતની આ ઘટનામાં નારણભાઈ નાગજીભાઈ સરધારા રહે કાનકિયા તા.ગીર ગઢડા, હંસાબેન માધાભાઈ જેઠવા ( ઉં. વ.૪૫ ) રહે.ઉના,રાહુલભાઈ માયાભાઇ જેઠવા રહે. ઉના, કૃપાબેન રાદડિયા રહે. સાંતાવાડી, હંસાબેન હરેશભાઈ ગોહિલ રહે. સુરત,ભરતભાઈ રહે. સુત્રાપાડા, મનસુખભાઈ ડાયાભાઈ ચોવડીયા રહે. ઉના, શાંતિલાલ કરશનભાઈ રહે. સુરત,વિરલભાઈ ગોરસિયા રહે.સુરત, કૈલાશબેન ભરતભાઈ ગોરસીયા રહે.સુરત, નારાયણભાઈ નાગજીભાઈ સરથારા રહે. સુરત અને એક અજાણ્યા મહિલાને ઈજા થતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં નારણભાઈ નાગજીભાઈ સરધારા અને હંસાબેન માધાભાઈ જેઠવાને ગંભીર થઈ હોય બન્નેના મોત થયા હતા અકસ્માતની આ ઘટનામાં ત્રણ વ્યક્તિને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ છે જ્યારે અન્ય વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હોય તેમને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.
ખાનગી લક્ઝરી બસ સુરત થી ઉના તરફ જતી હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે