ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હોંગઝોઉના પિંગફેગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 116 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 97 રન જ બનાવી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઇ રહી હતી, એવામાં તેને પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતના 117 રનના પડકારનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને તેને 14 રનમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણેય વિકેટ ટિટાસ સાધૂએ લીધી હતી. ત્રણ વિકેટ પડ્યા પછી હસિની પરેરાએ કેટલાક આક્રમક શોટ્સ ફટકાર્યા હતા અને શ્રીલંકાને 50 રના સ્કોરની પાર પહોંચાડ્યો હતો. પરેરાએ 22 બોલમાં 25 રન બનાવ્યા હતા.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ચોથી ઓવરમાં જ તેને ઝટકો લાગ્યો હતો. જ્યારે શેફાલી વર્મા (9)ને સ્પિન બોલર સુગંધિકા કુમારીએ સ્ટમ્પ આઉટ કરી હતી. તે બાદ સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સે મળીને ઇનિંગ્સને સંભાળી હતી અને બન્નેએ બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી.ભારત માટે સ્મૃતિ મંધાનાએ 46 અને જેમિમા રોડ્રિગ્સે 42 રન બનાવ્યા હતા.
ભારતે અત્યાર સુધી 11 મેડલ જીત્યા
ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધી 11 મેડલ જીત્યા છે. ભારતે પ્રથમ દિવસે 5 અને બીજા દિવસે 6 મેડલ પોતાના નામે કર્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા એર રાઇફલ ટીમમાં એક ગોલ્ડ મળ્યો હતો. ભારતને બીજા દિવસે પ્રથમ મેડલ રોઇંગ ટીમે અપાવ્યો હતો અને બીજો મેડલ એર રાઇફલ ટીમે અપાવ્યો હતો. રોઇંટ ટીમે વધુ એક મેડલ જીત્યો હતો અને આ રીતે 10 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ ભારતને મળ્યો હતો.