ભારતીય હવામાન વિભાગે પણ દક્ષિણ પશ્ચીમ રાજસ્થાનમાથી ચોમાસુ પાછુ ખેંચાયાનું જાહેર કરતા જણાવ્યું છે કે દેશમાં સળંગ 13માં વર્ષે ચોમાસુ નિયત કરતા મોડુ પાછુ ખેંચાયું છે. 17મી સપ્ટેમ્બરને બદલે આજે 25મીએ વિદાય થયુ છે. હવે 30મી સુધી કેશ લેવલે સામાન્ય-છુટોછવાયો વરસાદ થઈ શકે છે. ભારતમાં ચોમાસાના સરેરાશ 868.8 મીમી વરસાદ થાય છે તેની સરખામણીએ 21મી સપ્ટેમ્બરની સ્થિતિએ સાત ટકાની ખાધ છે. 36 ટકા જીલ્લાઓમાં તો 20 ટકા કે તેથી વધુની વરસાદી ઘટ છે. આઈઆઈટી મુંબઈના જલવાયુ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આ વખતે આર્કટીક બરફને વ્યાપક નુકશાન થયું છે. આ ઉપરાંત એટલાંટીક પણ ઘણો ગરમ રહ્યો હતો. ભેજ ઉતર તરફ ખેંચાઈ ગયો હતો. અલ-નીનો પેટર્ન પશ્ચીમી પ્રશાંત ક્ષેત્રમાં ગ્લોબલ વોર્મિંગનો સંકેત આપે છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે માસાંત સુધી અમુક ભાગોમાં છૂટા છવાયા ઝાપટા તથા હળવો-મધ્યમ વરસાદ જ થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર તથા આસપાસના ક્ષેત્રમાં 3.1 કિ.મી.ના લેવલે અપરએર સાયકલોનિક સરક્યુલેશન છે જે ચારેક દિવસ ત્યાં જ કેન્દ્રીત રહેવાની સંભાવના છે. તા.25 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં 30મી સપ્ટેમ્બર સુધી અમુક ભાગોમાં છુટાછવાયા ઝાપટા તથા ક્યાંક હળવો વરસાદ શક્ય છે. મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં પણ આ દરમિયાન છુટાછવાયા ઝાપટા – હળવો- મધ્યમ વરસાદ શક્ય છે. સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રીજીયનમાં વરસાદની માત્રા વધુ રહી શકે છે.