ઉત્તર પ્રદેશમાં શકૂરબસ્તીથી આવતી એક ઇએમયુ ટ્રેન મથુરા જંક્શન પર દૂર્ઘટનાનો શિકાર બની હતી. આ ટ્રેન અચાનક ટ્રેક છોડીને પ્લેટફૉર્મ પર ચઢી ગઇ હતી. જે સમયે આ દૂર્ઘટના બની તે સમયે ટ્રેનમાં કોઇ મુસાફર હાજર ન હતો.
આ ઇએમયુ ટ્રેન શકૂરબસ્તીથી આવતી હતી. રાત્રે 10.49 વાગ્યે ટ્રેન મથુરા જંક્શન પર પહોંચી હતી જે બાદ ટ્રેનમાં સવાર તમામ મુસાફર ઉતરી ગયા હતા પરંતુ પછી આ ટ્રેન ટ્રેક છોડીને પ્લેટફૉર્મ પર ચઢી ગઇ હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં પણ જોઇ શકાય છે કે ટ્રેનનું એન્જિન પ્લેટફૉર્મ પર ચઢેલું છે જેને કારણે પ્લેટફૉર્મ તૂટી ગયું હતું અને ટ્રેનનો કેટલોક ભાગ પણ નુકસાનગ્રસ્ત થઇ શકે છે. આ દૂર્ઘટનાને કારણે માલવા એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેન પણ પ્રભાવિત થઇ હતી.
આ ઘટના અંગે જાણકારી આપતા મથુરા રેલ્વે સ્ટેશનના ડાયરેક્ટર એસકે શ્રીવાસ્તવે કહ્યું કે ગાડી શકૂરબસ્તીથી આવતી હતી. ટ્રેન જંક્શન પર આવીને ઉભી થઇ ગઇ હતી તે બાદ ગાડીમાંથી તમામ મુસાફર ઉતરી ગયા હતા પરંતુ અચાનક કેવી રીતે આ ટ્રેન પાટા છોડીને પ્લેટફૉર્મ પર ચઢી ગઇ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ દૂર્ઘટનાને કારણે પ્લેટફૉર્મ અને ઉપરના શેડને નુકસાન થયું છે. કેટલીડ ગાડીઓ પ્રભાવિત પણ થઇ છે.





