ઇરાકના નિનેવે પ્રાંતના હમદાનિયા જિલ્લામાં એક લગ્નની પાર્ટીમાં આગ લાગતા 100થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. બનાવની જાણ થતા જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. નિનેવેના ડેપ્યુટી ગવર્નર હસન અલ-અલ્લાકે જણાવ્યું હતું કે 113 લોકોના મોતની પૃષ્ટી કરવામાં આવી છે. રાજ્ય મીડિયાએ મૃતકોની સંખ્યા ઓછામાં ઓછી 100 ગણાવી છે જેમાં 150 લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક નાગરિક સંરક્ષણે જણાવ્યું હતું કે, ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા પછી એક ઇવેન્ટ હોલમાં આગ ફાટી નીકળી હતી.આ ઘટનામાં બચી જનારા 34 વર્ષીય ઇમાદ યોહાનાએ કહ્યું, “અમે જોયું કે આગ હૉલમાંથી બહાર આવી રહી હતી. જે લોકો સચેત બન્યા તે હૉલની બહાર નીકળી ગયા અને બીજા લોકો ફસાઇ ગયા હતા.”






