ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની પ્રથમ મેચ નેપાળ સામે રમાઈ જેમા ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે નેપાળને 23 રને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ 179 રન જ બનાવી શકી હતી.એશિયન ગેમ્સ 2023 માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 100 રન બનાવ્યા હતા. જયસ્વાલે તોફાની ઇનિંગ્સ રમીને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
ભારત ભલે અહીં મેચ જીતી ગયું હોય પરંતુ નેપાળની ટીમે પોતાની રમતથી દિલ જીતી લીધું છે. તેણે 200 ને પાર કરવાનો ટાર્ગેટ હાંસલ કરવા માટે હિંમતભરી રમત બતાવી હતી. વિશ્વની મોટી અને અનુભવી ટીમો આવા મોટા લક્ષ્યોનો પીછો કરતી વખતે ઘણીવાર દબાણમાં આવી જાય છે, પરંતુ નેપાળે અંત સુધી હાર ન માનીને ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા.





