ચંદ્ર પર રાત શરુ થઈ ગઈ છે. સાઉથ પોલનું એ શિવશક્તિ પોઈન્ટ પણ અંધારામાં ડુબી ગયુ છે. આ અંધારાની સાથે જ વિક્રમ લેન્ડર અને તેનું રોવર પ્રજ્ઞાનની ફરી જાગવાની આશાઓ પણ ધુંધળી પડી ગઈ છે. શિવશક્તિ પોઈન્ટ પર 30 સપ્ટેમ્બરથી જ સૂરજનો પ્રકાશ મંદ પડવા લાગ્યો હતો, ત્યારે જ આશંકા ઉઠી હતી કે શું વિક્રમ અને પ્રજ્ઞાન શું ફરી કયારેય જાગશે? આશા હતી કે 14 દિવસના ચક્ર બાદ બન્ને ચંદ્ર પર ફરી જાગશે પરંતુ આમ ન થઈ શકયું.
વિક્રમ અને પ્રજ્ઞાને બે વીકના મીશનમાં અનેક મહત્વના આંકડા એકત્ર કર્યા હતા. તેણે પહેલીવાર જુદી જુદી ઉંડાઈ પર ચંદ્રની સપાટીનું તાપમાન બતાવ્યું હતું. હવે ભલે રોવર અને લેન્ડર ફરી ન જાગે પણ આપણી સફળતાના પ્રતીક શિવશક્તિ પોઈન્ટ પર તે હંમેશા રહેશે. ઈસરોના પુર્વ વૈજ્ઞાનિક મનીષ પુરોહીત કહે છે ચંદ્ર પર રાત્રે તાપમાન શૂન્યથી નીચે માઈનસ 180 ડીગ્રી સુધી થઈ જાય છે. આ સ્થિતિમાં તેમના ફરી જાગવાની સંભાવના વિક્રમ અને પ્રજ્ઞાનની બેટરી પર નિર્ભર હતી પરંતુ લાગે છે કે તે 14 દિવસની રાતમાં ડિસ્ચાર્જ થઈ ગઈ. ઈસરોના સેન્ટરે તેની સાથે સંપર્ક સાધવાની ખૂબ જ કોશિશ કરી પણ સફળ ન રહી. આ ઘણું બધું ચંદ્રની સ્થિતિ પર નિર્ભર છે, ઈસરો ખુદ પણ આશાવાદી નથી ચંદ્ર પર 6 ઓકટોબરે પુરી રીતે સૂર્યાસ્ત થઈ જશે.





