નવી દિલ્હી તા.3 : કેન્દ્ર સરકાર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત મહત્વાકાંક્ષી પીએમ ગતિશક્તિ પ્રોજેકટ અંતર્ગત ગુજરાતના એક સહિત દેશના ત્રણ એરપોર્ટને રેલ કનેકટીવીટી સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થિક-વ્યાપાર ઉદ્યોગના વિકાસને લક્ષ્યમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના માહિતગાર સૂત્રોએ કહ્યું કે પીએમ ગતિશક્તિ પ્રોજેકટ હેઠળ ગુજરાતના ધોલેરા, મહારાષ્ટ્રના નવી મુંબઈ તથા ઉતરપ્રદેશના નોઈડા એરપોર્ટને રેલ કનેકટીવીટી પુરી પાડવા માટે ઉડ્ડયન તથા રેલવે મંત્રાલયે શકયતા ચકાસવાની દિશામાં કાર્યવાહી આરંભી છે. આ માટે દિલ્હી-વારાણસી હાઈસ્પીડ રેલ પ્રોજેકટ હેઠળના દિલ્હી-જેવરનું કામ વ્હેલીતકે પુર્ણ કરીને નોઈડા એરપોર્ટને જોડવાનો પ્લાન છે. આ સિવાય ડીસેમ્બર 2024 સુધી નવી મુંબઈ એરપોર્ટને જોડતા રેલવે ટ્રેક બિછાવવાની સાથોસાથ રેલવે સ્ટેશનનું પણ નિર્માણ કરાશે. આ જ રીતે ધોલેરા એરપોર્ટને જોડતી રેલલાઈન તથા રેલવે સ્ટેશનનું નિર્માણ કરવાનું આયોજન છે.
આ પ્રોજેકટ માટે ઉડ્ડયનમંત્રી જયોતીરાદીત્ય સિંધીયા તથા રેલવેપ્રધાન અશ્વીની વૈષ્ણવ સંકલન કરી રહ્યા છે. ઉડ્ડયન મંત્રાલય દ્વારા ત્રણેય એરપોર્ટને રેલ કનેકટીવીટી આપવાનો પત્ર પાઠવાયો હતો અને ત્યારબાદ પ્રોજેકટ તૈયાર કરાયો હતો. પીએમ ગતિશક્તિ યોજનામાં ધોલેરા તથા નોઈડા એરપોર્ટને હાઈ ઈમ્પેકટ એરપોર્ટનો દરજજો આપવામાં આવ્યો છે જયારે નવી મુંબઈના એરપોર્ટને લોકેશનના આધારે મહત્વનું ગણાવવામાં આવ્યું છે. નવી મુંબઈના એરપોર્ટનો પ્રોજેકટ ડિસેમ્બર 2024માં પુર્ણ કરવાનો ટારગેટ છે. એરપોર્ટ નિર્માણ પુર્વે જ રેલ કનેકટીવીટી પ્રોજેકટ પુરો કરવાનો ટારગેટ નકકી કરવામાં આવ્યો છે. આ ત્રણેય એરપોર્ટ પ્રોજેકટને પ્રાથમીકતા આપવામાં આવી રહી છે.






