વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો કરવાની ઘટનામાં પોલીસે 18 ઈસમો સામે નામ જોગ અને 30ના ટોળા સહિત 48 ઈસમો સામે ફરિયાદ નોંધી હતી.
ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો કરનાર 5 લોકોની પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પોલીસે આ ઘટનામાં વધુ 8 લોકોની ધરપકડ કરતા આંકડો 13 પર પહોંચ્યો છે. મંજુસર પોલીસે આરોપીઓના કોરોનાના ટેસ્ટ કરાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
સાવલી તાલુકાના મંજુસર ગામમાં 28 સપ્ટેમ્બરની રાત્રે ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ ઘટનામાં અસામાજિક તત્વો દ્વારા ધાબા પરથી પત્થરમારો કરતાં વીડિયો વાયરલ થયાં હતા. પોલીસે 18 ઈસમો સહતિના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ગિરીશ પંચાલ નામના વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ગામના 100 માણસો સાથે વેરાઈ માતાના ચોકમાંથી ટ્રેક્ટરમાં ગણપતિ લઈને વિસર્જન કરવા નીકળ્યા હતાં. આ દરમિયાન ગરાસિયા મહોલ્લામાં વિસર્જનની યાત્રા પહોંચતા જ પથ્થરમારો શરૂ થયો હતો.
ધાબા પરથી પથ્થરમારો કર્યા બાદ તોફાનીઓ ત્યાંથી નાસી ગયા હતાં અને એવું કહેતા હતાં કે આ લોકોને કાપી નાંખો જીવતા જવા દેવાના નથી. ત્યાર બાદ વસીમ વાધેલા નામનો વ્યક્તિ ધારિયું લઈને આવ્યો હતો. આ દરમિયાન યાત્રામાં નાસભાગ મચી ગઈ હતી. ફરિયાદીએ પોલીસને જાણ કરતાં જ ઘટના સ્થળે પોલીસનો કાફલો આવી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.





