ઈઝરાયલની સેનાએ ગાઝામાં સૈન્ય કાર્યવાહી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ ડેનિયલ હેગેરીએ રવિવારે રાત્રે કહ્યું અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. માત્ર સરકાર તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ 15 ઓક્ટોબરે ગાઝા સરહદ પર ઇઝરાયલી સૈનિકોને મળ્યા હતા. ઈઝરાયલની સેના ગ્રાઉન્ડ એક્શન ક્યારે શરૂ કરશે તે પ્રશ્નનો તેમણે જવાબ આપ્યો ન હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના 10 હજાર સૈનિક ગાઝામાં ગ્રાઉન્ડ એટેક માટે તૈયાર છે. સરહદ પર ઇઝરાયલી ટેન્ક તહેનાત છે.
રવિવારે ઈઝરાયલ સેનાએ કહ્યું કે તેમણે હમાસ કમાન્ડરને માર્યો છે જેણે કિબુત્ઝ નિરીમ અને કિબુત્ઝ નિર ઓઝમાં હુમલા કર્યા હતા. સેનાએ કહ્યું- હમાસના નુખ્બા યુનિટના કમાન્ડર બિલાલ અલ-કેદરા માર્યા ગયા છે. આ પહેલાં 14 ઓક્ટોબરે ઈઝરાયલની સેનાએ હમાસના બે ટોપ કમાન્ડરોને મારી નાખ્યા હતા. સેનાએ કહ્યું કે તેઓએ કમાન્ડર અલી કાદીને મારી નાખ્યો છે, જેણે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હુમલાનું નેતૃત્વ કર્યું હતું.




