વર્લ્ડ કપમાં 8મી વાર ભારતે પાકિસ્તાનને પછાડ્યા બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જામ્યો હતો, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ મેચ પૂર્ણ કર્યા બાદ ITC નર્મદા હોટલમાં પરત ફરી ત્યારે ખેલાડીઓનું સ્વાગત બ્લ્યુ કેકથી કરાયું હતું. કેકમાં ખેલાડીઓના ફોટા તેમજ ભારતીય ટીમની જર્સી દર્શાવવામાં આવી હતી. જ્યારે ખેલાડીઓ હોટલમાં પહોંચ્યા ત્યારે કેક કાપીને મોઢું મીઠું કર્યું હતું. ITC નર્મદા હોટેલ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર સ્વાગતનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. હોટલ સ્ટાફ દ્વારા ખાસ ભારતીય ટીમની જર્સીના કલર જેવા બ્લ્યુ કલરની કેક દ્વારા સ્વાગત કરતા ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થયા હતા અને મુખ પર સ્મિત છલકી ઊઠ્યું હતું.
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023 અંતર્ગત ભારત પાકિસ્તાનની મેચ યોજાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પાકિસ્તાની ટીમે પ્રથમ બેટિંગ 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતે આસાનીથી ટાર્ગેટ પાર કરીને 8 વાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનને પછાડ્યું હતું. પાકિસ્તાન તરફથી બાબર આઝમે 58 બોલમાં 50 રન કર્યા અને મોહમ્મદ રિયાઝે 69 બોલમાં 49 રન કર્યા હતા. જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, હાર્દિક પંડયા, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. તો બીજી તરફ પાકિસ્તાનને જવાબ આપવા રોહિત શર્મા 86 રન અને શ્રેયસ ઐયર અણનમ 53 રનની મદદથી ભારતે આસાનીથી મેચ ફતેહ કરતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.