અમદાવાદના સોલામાં ગતરાત્રિના હત્યાનો બનાવ બન્યો છે. મોડી રાત સુધી સાથે બેસ્યા બાદ ગાડીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. હત્યા બાદ હત્યારો લાશને ગાડીમાં પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. પોલીસને જાણ થતાં હત્યારાને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
ચાંદલોડિયાના વિશ્વકર્મા બ્રિજ પાસે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત રાજા નામના મિત્રો કારમાં બેઠા હતા. આ દરમિયાન બંને વચ્ચે તકરાર થતા ઉશ્કેરાઈને વેદાંતે સ્વપ્નિલની તીક્ષ્ણ હથિયાર વડે છાતી તથા પાછળના ભાગે 6થી વધુ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ આરોપીએ તેના પિતાને ન્યુઝીલેન્ડ ફોન કર્યો હતો. જેમાં આરોપીના પિતાએ તેને પોલીસ સ્ટેશન જવાનું કહેતા આરોપી પોલીસ સ્ટેશન હત્યા કર્યા બાદ લાશ લઈને પહોંચ્યો હતો.
આ અંગેની જાણ કરતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે વેદાંતને પોલીસ સ્ટેશનમાં જ બેસાડીને ગાડી ચેક કરતાં તેમાં સ્વપ્નિલની લાશ મળી આવી હતી. પોલીસે તાત્કાલિક લાશને સોલા સિવિલ પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. સ્વપ્નિલની ધરપકડ કરીને પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.