ઈઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે ત્યારે ભારતમાં તેના કોઈ પ્રત્યાઘાતો ન પડે તે માટે ઈઝરાયેલ દુતાવાસ-રાજદ્વારીઓ જેવા સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ જેવા દેશોમાં યુદ્ધના પ્રત્યાઘાત સર્જાતા બનાવો બન્યા હતા જેને પગલે દિલ્હી, મુંબઈ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન સહિતના શહેરો-રાજયોના ચોકકસ સ્થળોએ એલર્ટ આપવામાં આવ્યુ છે. યહુદી સમુદાય સાથે સંબંધીત સ્મારકો તથા અન્ય સ્થળોએ વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે.
ઈઝરાયેલી દુતાવાસ તથા રાજદ્વારીઓને સુરક્ષા વધારવા દિલ્હી પોલીસને સૂચના આપવામાં આવી છે આ સિવાય પહાડગંજના ચાબડ હાઉસમાં પણ પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ સ્થળોએ મોટી સંખ્યામાં યહુદી આવે છે. હિમાચલ, ગોવા, મુંબઈ તથા રાજસ્થાનના પુષ્કરમાં પણ યહુદી પ્રવાસીઓ આવતા હોય છે. મનાલી તથા ધર્મશાળામાં યહુદી વસાતોમાં પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે.






