ઇઝરાયલ-હમાસ યુદ્ધના 11મા દિવસે અમેરિકા ઈઝરાયલમાં પોતાના 11 હજાર સૈનિક તહેનાત કરી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ સૈનિકો સીધા યુદ્ધ નહીં લડે, પરંતુ ઇઝરાયલી દળોને ટેક્નિકલ અને મેડિકલ સપોર્ટ આપશે. આ દરમિયાન યુએસ આર્મી ચીફ માઈકલ એરિક કુરિલા મંગળવારે ઇઝરાયલ પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેઓ અમેરિકન સૈનિકોની તહેનાતીની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપી શકે છે.
બીજી તરફ, ઈરાને ઇઝરાયલ અને તેને ટેકો આપનારા દેશોને કડક ચેતવણી આપી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખોમેનીએ મંગળવારે કહ્યું હતું કે જો ઇઝરાયલ ગાઝા પર બોમ્બમારો બંધ નહીં કરે તો વિશ્વ મુસ્લિમ દળોને રોકી શકશે નહીં. અહીં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇઝરાયલના પીએમ નેતન્યાહુ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું- રશિયા યુદ્ધને વધતું રોકવા માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે.
7 ઓક્ટોબરે ઇઝરાયલમાં હમાલ હુમલા બાદથી ઇઝરાયલી દળો ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યા છે. આ હુમલા દક્ષિણ ગાઝાના ખાન યુનિસ અને રાફામાં કરવામાં આવ્યા છે. માહિતી મળી છે કે ત્યાં 24 કલાકમાં બાળકો સહિત 70થી વધુ લોકોનાં મોત થયાં છે. યુદ્ધમાં અત્યારસુધીમાં ઇઝરાયલના 1400 લોકો, ગાઝાના 2808 લોકો અને પશ્ચિમ કાંઠાના 57 લોકો માર્યા ગયા છે.
હમાસના લશ્કરી પ્રવક્તા અબુ ઓબેદાએ જણાવ્યું હતું કે તેમની પાસે 200થી 250 નાગરિક કેદ છે. આ વિદેશી નાગરિકોમાં અમારા મહેમાનો પણ છે. જ્યારે સ્થિતિ સુધરશે ત્યારે અમે તેમને છોડીશું. ઓબેદાહે એમ પણ કહ્યું કે તે ગાઝામાં ઇઝરાયલના મોટા ગ્રાઉન્ડ ઓપરેશનથી ડરતા નથી. એ જ સમયે ઇઝરાયલની ડિફેન્સ ફોર્સે કહ્યું છે કે તેમણે આખી રાત લેબેનોનમાં હિઝબુલ્લાહનાં સ્થાનો પર હુમલો કર્યો છે. આ પહેલાં સોમવારે ઇઝરાયલની સંસદ (નેસેટ)નું વિશેષ સત્ર થયું હતું, જેમાં હમાસ સિવાય વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાહ અને ઈરાનને પણ ચેતવણી આપી હતી.






