વાપી તાલુકાના ડુંગર પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતી એક 6 વર્ષીય બાળકીને એક ઇસમ અપહરણ કરી ગયો હોવાની જાણ પરિવારના સભ્યોને થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ડુંગરા પોલીસની ટીમે તાત્કાલિક જિલ્લામાં એલર્ટ આપી નાકાબંધી હાથ ધરી હતી. વલસાડ LCB, SOG સહિત જિલ્લા પોલીસની ટીમે ઘટના સ્થળની આજુબાજુના CCTV ફુટેઝ મેળવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ વચ્ચે ગત મોડી રાત્રીએ ડુંગરી નજીક દમણગંગા નદી કિનારેથી અપહરણ થયેલી બાળકીની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરતા બપોરે 11:50 કલાકે કિશોરીને અપહરણ કરનાર ઈસમ ખાડી કિનારે આવેલા ઘાસના ગ્રાઉન્ડમાં લઈ જતો જોવા મળ્યો હતો. તેમજ 12 વાગે ઘાસના મેદાનમાંથી એકલો બહાર નીકળતા જોવા મળ્યો હતો. વલસાડ પોલીસે કીચડવાળા ઘાસના મેદાનમાં બાળકીને શોધવા જનરેટર સાથે મોટી ગાડી લઈ જતા મોડી રાત્રીએ હત્યા થયેલી હાલતમાં લાશ મળી હતી. શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. બાળકીની લાશ ઉપર કીડીઓ અને અન્ય જંતુઓ આવી ગયા હતા. અપહરણ સમયે બાળકી બૂમાબૂમ ન કરે તે માટે આરોપી છેલ્લા 5 દિવસથી બાળકી સાથે મિત્રતા કેળવી રહ્યો હતો. બાળકીને નજીકની દુકાનમાંથી ચોકલેટ, વેફર વગેરે ખાવાની વસ્તુ આપતો હોવાથી બાળકી સાથે મિત્રતા કેળવી હતી. જેથી કિશોરીના અપહરણ વખતે કોઈ સમસ્યા ન સર્જાય તે મુજબનો પ્લાન બનાવી બાળકીનું ગઈકાલે અપહરણ કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી પોતે બાળકીનો કુટુંબી કે પરિચિત હોવાનું જણાઈ આવ્યું છે.