ધૂળેટીના પવિત્ર તહેવાર દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં પાંચ અલગ-અલગ ડૂબવાની
ઘટનાઓમાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, અમરેલી અને
સુરતમાં બનેલી આ કરુણ દુર્ઘટનાઓમાં 5 બાળકો સહિત કુલ ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે
હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.
અમદાવાદના કોતરપુરમાં સાબરમતી નદીમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા હતા. જેમાંથી ત્રણ
યુવકોના પાણીમાં જ ડૂબી જતાં મોત થયા અને એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ
ચારેય યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા ચારેયના મૃતદેહ બહાર
કઢાયા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
અમદાવાદના માંડલના સીતાપુર ગામે ધૂળેટીની ઉજવણી બાદ ઝોલાસર તળાવમાં 5 જેટલા બાળકો
નાહવા પડ્યા હતા. આ દરમિયાન ત્રણ બાળકોના ડૂબી જતાં મોત થયા છે. જ્યારે અન્ય બે બાળકોને
હેમખેમ બહાર કઢાયા હતા. ઘટનાની જાણ હાંસલપુર પોલીસ મથકને થતાં પોલીસ તાત્કાલિક દોડી જઈ
કાર્યવાહી કરી હતી. ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા
છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહીસાગરના કોઠંબા નજીક આવેલા રાઘવના મુવાડા ગામે ધૂળેટી રમીને તળાવમાં નાહવા પડેલા 4
યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ લુણાવાડાની રેસ્ક્યુ ટીમે
ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. ધૂળેટી
રમીનેગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર ઊંડા
પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરણ 5 અને 6 માં અભ્યાસ કરતા આ માસૂમ બાળકોના મોતથી
ડામોર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ
બહાર કાઢ્યા હતા,
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ પાસે કીમ નદીમાં ધૂળેટીના દિવસે નાહવા ગયેલા
ત્રણ મિત્રો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. મૃતકોની ઓળખ ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી સિંગ અને સંજય
ધનજી માંગુકિયા તરીકે થઈ છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ નદીમાંથી ત્રણેયના મૃતદેહ
બહાર કાઢી કીમ પીએચસી સેન્ટર ખાતે મોકલી આપ્યા છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ઇસરોલી ગામની સીમમાંથી પસાર થતી મિંઢોળા નદીમાં 5 યુવકો
ડૂબ્યા હતા. જેમાંથી ચાર યુવકોના ડૂબી જતાં મોત નિપજ્યાં છે. એક યુવકનો આબાદ બચાવ થયો છે.
અમરેલી શહેરના બહારપરા વિસ્તારમાં રહેતો એક યુવક ધૂળેટી રમ્યાં બાદ શેત્રુંજી નદીમાં નાહવા માટે
ગયો હતો, જ્યાં અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત
બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
મહેસાણા જિલ્લાના કડીના થોળ રોડ પર સિંધવાઇ માતાજીના મંદિરની બાજુમાં આવેલી નર્મદા કેનાલમાં
ડૂબી જતાં યુવકનું મોત થયું છે. આ ઉપરાંત મોતમહેસાણાના મોટી દઉ ખાતે સુજલામ સુફલામ કાચી
કેનાલમાં ચાર યુવકો ડૂબ્યા હતા. જેમાંથી બે યુવકોનો બચાવ થયો છે, જ્યારે અન્ય બે યુવકોના મોત
નિપજ્યા છે.


