“આયુષ્માન”મોબાઈલ એપ્લિકેશનની મદદથી NFSA(નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) હેઠળ પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ માટે “આયુષ્માન કાર્ડ” મેળવવું આંગળીના ટેરવે શક્ય બન્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં દેરડી, દેડરવા, સેલુકાનાં પેટા આરોગ્ય કેન્દ્રનાં આરોગ્યકર્મીઓ રશ્મિન લીંબડીયા, ભાગ્યશ્રી સોલંકી, કરણ રાઠોડ,હર્ષ ગણાત્રા સહિતના તાલુકાનાં તમામ આરોગ્યકર્મીઓ દ્વારા દશેરા, રવિવાર જેવી જાહેર રજાઓના દિવસે પણ ફરજ બજાવી ઘરે ઘરે જઈને લાભાર્થીઓના મોબાઈલમાં “આયુષ્માન” એપ ડાઉનલોડ કરી એપ વિશે લાભાર્થીઓને માહિતગાર કરી કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને શારીરિક રીતે અશક્ત લાભાર્થીઓને ઘરે બેઠા કાર્ડ મળી રહેતાં આ એપ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જેતપુર તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કુલદીપ સાપરીયાએ જણાવ્યું હતું કે આ એપ ગુગલ પ્લે સ્ટોર ઉપરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. કાર્ડ મેળવવા માટે પાત્રતા ધરાવનાર લાભાર્થીએ લોગ ઈન થવા માટે “Beneficiary” ઓપ્શન પસંદ કરી આગળની પ્રક્રીયા કરવાની રહેશે. આ પ્રક્રીયામાં આવકનાં દાખલાં વિના માત્ર આધાર e-KYCની વિગતો એડ કરવાની હોય છે. લાભાર્થીનો આધાર કાર્ડ અને રેશન કાર્ડ ડેટાનો ૮૦% સ્કોર મેચ થયો હસે તો કાર્ડ તુરંત જ ડાઉનલોડ કરી શકાશે. ૮૦% થી સ્કોર ઓછો હશે તો તે કાર્ડ અપ્રુવમાં જશે, અપ્રુવ થયા બાદ ડાઉનલોડ કરી શકાશે. આરોગ્ય સેવાઓની સુલભતા અને સમાનતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી કરી રહી છે, ત્યારે “આપકે દ્વાર આયુષ્માન” ઝૂંબેશ હેઠળ કાર્યક્ષમતા, અસરકારકતા અને પારદર્શિતાને લક્ષમાં લઈને જન જન સુધી પહોંચવા માટે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી “આયુષ્માન” એપ થકી પાત્રતા ધરાવતી લાભાર્થી વ્યક્તિ ઘરે બેઠાં પોતાના પરિવારનું ૧૦ લાખ સુધીનું વીમાકવચ મેળવી સુરક્ષિત થઈ શકે છે.