પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને ઝટકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ રાશન વિતરણમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં 20 કલાકની પૂછપરછ બાદ પશ્ચિમ બંગાળના વન મંત્રી અને પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી છે. શુક્રવારે સવારે 3.23 વાગ્યે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા મલિકે કહ્યું હતું કે, “હું ગંભીર ષડયંત્રનો શિકાર છું. હું એટલું જ કહી શકું છું.”
કરોડો રૂપિયાના કથિત રાશન વિતરણ કૌભાંડના સંબંધમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં EDના અધિકારીઓએ ગુરુવારે વહેલી સવારે મલિકના પરિસરમાં દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ કેન્દ્રીય દળોની ટીમની મદદથી કોલકાતાના સોલ્ટ લેક વિસ્તારમાં સ્થિત રાજ્યના વન મંત્રી મલિકના બે ફ્લેટ પર દરોડા પાડ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. શાસક તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે દરોડા “બદલાની રાજનીતિ સિવાય બીજું કંઈ નથી”.
અધિકારીએ કહ્યું કે મલિકના પૂર્વ અંગત સહાયકના ઘર સહિત અન્ય આઠ ફ્લેટ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આઠ અધિકારીઓ મલિકના આવાસ પર દરોડા પાડી રહ્યા છે.” અમે દમદમમાં તેમના ભૂતપૂર્વ અંગત સહાયકના નિવાસસ્થાન અને કેટલાક અન્ય સ્થળોએ પણ તપાસ કરી રહ્યા છીએ.” અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સીએ પહેલાથી જ એક વ્યક્તિની ધરપકડ કરી છે જે શાસક તૃણમૂલ કોંગ્રેસ અને મલિક સાથે કથિત સંબંધો ધરાવે છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ સાથેના તેના કનેક્શન અંગે મલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મંત્રીના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.