હિન્દ મહાસાગરમાં ચીનની અવળચંડાઇને જવાબ આપવા માટે ભારતે મોરેશિયસના એક ટાપુ પર મિલિટરી બેઝનું નિર્માણ કર્યું છે. આ મિલિટરી બેઝ બનીને તૈયાર થઇ ગયો છે અને હવે ત્યાં ભારતીય નેવી અને એરફોર્સના જહાજોને તૈનાત કરાશે. જો કે તે પહેલા ભારત અને મોરેશિયસની વચ્ચે આ મિલિટરી બેઝને લઇને મહત્વપૂર્ણ એમઓયુ થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય નેવીનું યુદ્ધપોત આઇએનએસ શારદા મંગળવારે પોર્ટ લુઇસ પર રોકાયું હતું, આ એ જ ટાપુ છે કે જ્યાં ભારતે સૈન્ય મથક તૈયાર કર્યું છે. આ સૈન્ય મથક ચીનના પ્રભુત્વને રોકવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. કેમ કે ચીન દક્ષીણ ચીન સમુદ્રની સાથે સાથે હિન્દ મહાસાગરમાં પણ પગપેસારો કરી રહ્યું છે. હાલમાં પોર્ટ લુઇસ પર જે ભારતીય જહાજ પહોંચ્યું છે તેના રોકાવા દરમિયાન ભારતીય નેવી અને મોરેશિયસના રાષ્ટ્રીય તટ રક્ષકના કર્મચારીઓ આગામી ત્રણ દિવસ સુધી સંયુક્ત સમુદ્રી પ્રશિક્ષણની સાથે સાથે આર્થિક ક્ષેત્રની દેખરેખ તેમજ સુરક્ષાને લઇને મહત્વપૂર્ણ અભ્યાસ કરશે.
ભારત દ્વારા તૈયાર કરાયેલા આ સૈન્ય મથકનો હેતુ હિંદ મહાસાગરમાં ભારતની શક્તિનું પ્રદર્શન કરવાનો છે. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ માટે પણ કરારો કરવામાં આવશે. આ કરારો પણ રણનીતિક પગલુ માનવામાં આવે છે. આ તમામ કરારો અને સૈન્ય મથકની મદદથી ભારત હિંદ મહાસાગરમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. આ એ જ વિસ્તાર છે કે જ્યાં ચીનનું સૈન્ય સતત આક્રામક થઇ રહ્યું છે.
ભારત મોરેશિયસની સાથે આ સૈન્ય મથક ઉપરાંત એક અન્ય મહત્વપૂર્ણ ડીલ કરવા જઇ રહ્યો છે. પોર્ટ લુઇસ સાથે સંકળાયેલી આ ડીલનો હેતુ મોરેશિયસ માટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ તૈયાર કરવાનો છે. ભારતથી ગિરમિટિયા મજૂરો મોરેશિયસ પહોંચ્યા હતા તેને ૧૮૯ વર્ષ પૂર્ણ થશે. આ અવસર પર ભારતના રાજ્યકક્ષાના વિદેશ મંત્રી વી મુરલીધરન મોરેશિયસ પહોંચશે. તેઓ બે દિવસ દરમિયાન સૈન્ય મથક તૈયાર થયું છે તે પોર્ટ લુઇસની પણ મુલાકાત લેશે.