રાજસ્થાનના દૌસામાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં દૌસા કલેક્ટર સર્કલ પાસે રેલવે કલ્વર્ટ પર બસે કાબૂ ગુમાવ્યો અને નીચે રેલવે ટ્રેક પર જઈ પડી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ છે અને ઘાયલોને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
દૌસાના એડીએમ રાજકુમાર કાસવાએ જણાવ્યું કે અકસ્માત બાદ 28 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી ચારના મોત થયા છે. ઘટનાની તપાસ માટે એસડીએમને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ડીએમ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ અકસ્માત નેશનલ હાઈવે-21 પર થયો હતો. દુર્ઘટનાના કારણે ટ્રેન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક પેસેન્જર બસ કલ્વર્ટની રેલિંગ તોડીને નીચે રેલવે ટ્રેક પર પડી હતી.
મળતી માહિતી મુજબ હરિદ્વારથી જયપુર તરફ જઈ રહેલી આ પેસેન્જર બસ રાત્રે લગભગ 2.15 વાગ્યે બેકાબૂ થઈ ગઈ હતી. સ્પીડમાં આવતી બસ લોખંડની રેલિંગ તોડીને ડિવાઈડરમાંથી સીધી રેલવે ટ્રેક પર પડી હતી. અકસ્માત બાદ બસ હાઈવેની બે લેન વચ્ચેની જગ્યામાંથી પસાર થઈ અને નીચે પાટા પર પડી અને પલટી ગઈ.