સામાન્ય જનતાને વધતી મોંઘવારીમાં રાહત આપવા માટે કેન્દ્ર સરકાર ભારત આટા (લોટ) લાવી છે. કેન્દ્રિય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલ સોમવારે બપોરે 2 વાગ્યે સબસિડીવાળો ‘ભારત આટા’ લોન્ચ કર્યો. આ લોટની કિંમત 27.50 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે. મોબાઈલ વાનમાં 10 કિલો અને 30 કિલોના પેકિંગમાં પણ મળશે.
પીયૂષ ગોયલે લોટના વિતરણ માટે વાહનો (મોબાઈલ વાન)ને લીલી ઝંડી આપી. આ ડિલિવરી વાહનો દ્વારા શહેરોના વિવિધ વિસ્તારોમાં ભારત આટાનું વેચાણ કરવામાં આવશે. આ માટે અઢી લાખ મેટ્રિક ટન ઘઉંની ફાળવણી કરવામાં આવી છે. આ લોટ દેશભરમાં 2 હજાર આઉટલેટ્સ પર મળશે. તે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED), નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF), સફલ, મધર ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓ જેવી સહકારી સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.