વર્લ્ડકપ 2023માં ગુરૂવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 23. 2 ઓવરમાં 5 વિકેટના નુકસાને ટાર્ગેટ પાડીને મેચ જીતી લીધી છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમે સેમિફાઈનલમાં લગભગ પ્રવેશ કરી લીધો છે.
ગ્રૂપ સ્ટેજમાં પાકિસ્તાનની ટીમની છેલ્લી મેચ 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમવાની છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. જો પાકિસ્તાને સેમિફાઈનલમાં પ્રવેશ કરવો હોય તો ઈંગ્લેન્ડની ટીમને દિવસે તારા દેખાડવા પડશે. એટલે કે, ઈંગ્લેન્ડ સામેની મેચમાં 287 રનના માર્જીનથી જીત મેળવવી પડશે. આટલા મોટા માર્જિનથી મેચ જીતવા માટે પાકિસ્તાનને 400 કે 450થી વધુનો સ્કોર બનાવવો પડશે. જે બાદ ઘાતક બોલિંગ પણ કરવી પડશે. પરંતુ તેના ભૂતકાળના પ્રદર્શનને જોતા આવું કરવું ઘણું મુશ્કેલ લાગે છે. બીજો વિકલ્પ એ પણ છે કે જો પાકિસ્તાનની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરે છે તો તેણે ઇંગ્લેન્ડને માત્ર 16 બોલમાં હરાવવું પડશે. એટલે કે, 284 બોલ બાકી રાખીને મેચ જીતવી પડશે.
નોંધનીય છે કે, ભારત પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 12-12 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. ત્યારે આજે ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને હરાવીને ચોથા સ્થાન પર દાવો વધુ મજબૂત કર્યો છે. જોકે, સત્તાવાર ન્યૂઝીલેન્ડની સેમિફાઈનલમાં એન્ટ્રી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ મેચ બાદ સ્પષ્ટ થશે. જો પાકિસ્તાન ઈંગ્લેન્ડને મોટા માર્જિનથી હરાવે તો જ સેમિફાઈનલમાં પ્રવેશ મળશે. જેના પગલે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે સેમિફાઈનલનો મુકાબલો થાય તે લગભગ નક્કી છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલની બીજી મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ફાઈનલમાં પહોંચશે.19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ મુકાબલો રમાશે.





