વર્લ્ડ કપ 2023માં ભારતે તેનું વિજેતા અભિયાન ચાલુ રાખ્યું છે. ટીમે છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ્સને 160 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતનો આ સતત નવમો વિજય છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 47.5 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે અણનમ 128 રન અને કેએલ રાહુલે 102 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (61 રન), શુભમન ગિલ (51 રન) અને વિરાટ કોહલી (51 રન)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. પાવરપ્લેમાં સરેરાશ શરૂઆત બાદ નેધરલેન્ડ્સના બેટર્સ દબાણમાં જોવા મળ્યા હતા. ટીમ તરફથી કોઈ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. ટીમે 30 ઓવરમાં 128 રન બનાવીને 5 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીએ નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સને આઉટ કર્યો હતો. તેણે 3 ઓવરમાં 13 રન આપીને એક વિકેટ લીધી, જ્યારે શુભમન ગિલ અને સૂર્યકુમાર 2-2 ઓવર નાખ્યા પછી ખાલી હાથ રહ્યા. 40 ઓવર પછી ટીમનો સ્કોર 190/6 હતો.
411 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમે બીજી જ ઓવરમાં વેજલી બારેસીની વિકેટ ગુમાવી દીધી હતી. બારેસી માત્ર 4 રન બનાવીને મોહમ્મદ સિરાજની બોલિંગમાં આઉટ થયો હતો. નંબર-3 પર ઉતરેલા કોલિન એકરમેને મેક્સ ઓ’ડાઉડ સાથે 50+ રનની ભાગીદારી કરી હતી. બંનેએ 10 ઓવરમાં ટીમનો સ્કોર 62 રન સુધી પહોંચાડ્યો હતો.