દક્ષિણ કાશ્મીરના કુલગામના ડીએચ પોરામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. હજુ પણ બે આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા છે. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ ગઈકાલે બપોરે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યાર બાદ આતંકીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું ત્યારથી ઓપરેશન ચાલુ હતું.
ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં એક આતંકવાદીએ ઈદગાહ વિસ્તારમાં ત્રણ ગોળીઓ મારીને પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યા કરી નાખી હતી. ઈન્સ્પેક્ટરની ઓળખ મસરૂર અલી વાની તરીકે થઈ હતી. TRFએ આ હુમલાની જવાબદારી લીધી હતી. જ્યારે હુમલો થયો ત્યારે ઈન્સ્પેક્ટર સ્થાનિક યુવકો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં 13 સપ્ટેમ્બરે થયેલા આતંકી હુમલામાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા હતા. સુરક્ષા દળો જ્યારે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો.