છેલ્લાં દોઢેક દસકમાં ગાંજાના બંધાણીઓમાં યુવા વર્ગ મોટાપાયે સામેલ થઈ ગયો છે. રાજ્યની સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓમાં પણ ગાંજાની ખેતી થઈ હોવાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાની દાહોદ પોલીસે કરેલી નવતર પહેલની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નોંધ લીધી છે. ડ્રોન અને અન્ય ટેક્નોલૉજીની મદદથી સવા કરોડ રૂપિયાના ગાંજાને શોધી કાઢી કેસ કરનારી પોલીસની કામગીરીની સંઘવીએ તાજેતરમાં જ ટ્વીટ કરી છે. દાહોદ જિલ્લા પોલીસે એકાદ મહિનાના ગાળામાં રૂપિયા 1.21 કરોડની કિંમતના 1200 કિલોથી વધુ ગાંજાના છોડ જપ્ત કરી NDPS હેઠળ 6 ગુના નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વર્ષોથી ગાંજા અને અફીણની ગેરકાયેદસર ખેતી થતી આવી છે. સ્થાનિક બંધાણીઓને આ ખેતીમાંથી જ કેટલોક જથ્થો ઉપલબ્ધ થઈ જાય છે. જ્યારે બાકી માગ અન્ય રાજ્યોમાંથી આવતા નશીલા પદાર્થો પર નિર્ભર છે. “શાકભાજી અને અન્ય ખેતીની આડમાં થતી ગાંજાની ખેતી શોધવી મુશ્કેલ હતી અને તે શોધી કાઢવા હાથવગી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો” આ શબ્દો છે દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાના. ઝાલા કહે છે કે, બાતમીદારો થકી માહિતી મળતી કે, ફલાણા – ફલાણા વિસ્તારમાં ગાંજાની ખેતી થાય છે, પરંતુ તે વિસ્તાર એટલી હદે મોટો હોય છે કે તેમાં સમય અને વિશાળ માનવ શ્રમ જરૂરી બને છે. હાલના સમયમાં ડ્રોન સરળતાથી ઉપલબ્ધ છે એટલે અમે 30X ઝૂમ કરી શકાય તેવા કેમેરાનો ઉપયોગ કર્યો. ડ્રોન દ્ધારા લેવાયેલા વીડિયો અને ફોટાને AI અને ML ની મદદથી ગાંજાના છોડને ઓળખી રેડ કરીએ છીએ.
NDPS નો કડક કાયદો હોવા છતાં ગુજરાત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં અફીણ-ગાંજાની ગેરકાયેદસર ખેતી થતી આવી છે. રોકડીયો પાક હોવાથી ગુનાહિત માનસિકત ધરાવતા તત્વો આવી ખેતી કરી રહ્યાં છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર તેમજ શહેરના છેવાડે આવેલા એક વૈભવ ફલેટમાંથી પોલીસે ગત સપ્ટેમ્બર મહિનામાં ગાંજાની આધુનિક ખેતી શોધી કાઢી ટોળકીને ઝડપી હતી. ઉત્તર-દક્ષિણ, મધ્ય કે સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં અફીણ-ગાંજાની ખેતી ઝડપાઈ ચૂકી છે. છએક વર્ષ અગાઉ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના નેતાના ભાઈ લાખો રૂપિયાના અફીણની ખેતી કરવાના કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યાં છે.