ઉત્તરાખંડના સિલ્ક્યારામાં થયેલા અકસ્માત બાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એલર્ટ પર છે. સુરક્ષા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દેશભરમાં નિર્માણાધીન તમામ 29 ટનલનું સેફ્ટી ઓડિટ કરશે. બુધવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનું નિવેદન 12 નવેમ્બરના રોજ ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલના એક ભાગના પતનની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “NHAI અધિકારીઓ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અને અન્ય ટનલ નિષ્ણાતોની નિષ્ણાતોની એક ટીમ દેશમાં ચાલી રહેલા ટનલ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે અને સાત દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરશે.”
અંદાજે 79 કિલોમીટરની કુલ લંબાઇ સાથે, દેશભરમાં 29 ટનલ નિર્માણાધીન છે. તેમાંથી 12 ટનલ હિમાચલ પ્રદેશમાં, છ જમ્મુ અને કાશ્મીરમાં જ્યારે બે-બે મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને એક-એક મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં છે. NHAI એ ટનલના નિર્માણ અંગે કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.