ભાવનગર મહાપાલિકા દ્વારા આજે શહેરના ઘોઘારોડ પરના મંત્રેશ કોમ્પ્લેક્ષથી શરૂ કરી રિંગરોડ થઇ એરપોર્ટ સુધી સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ કાર્યવાહીમાં કમિશનર, ડે.કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહી કામગીરી કરાવી હતી. આ સમયે તેજસ્વી સ્કૂલ અને ગુજરાત ગેસના સીએનજી પંપની વચ્ચે એક રેતીનો ઢગલો જાહેર રોડ પર ટ્રાફિકને અડચણ કરે તે રીતે પડ્યો હોય તે ઉપાડવા તંત્રવાહકો કામગીરી કરી રહ્યા હતા આ સમયે ડે.કમિશનર બ્રહ્મભટ્ટ સ્થળ પર ઉભા હતા ત્યારે ઓડી કાર નં.જીજે-૧-આરડી-૩૪૪૮ના ચાલકે કારને ડે.કમિશનર પર ચડાવી દેવા પ્રયાસ કર્યો હતો.
આ બનાવમાં સમયસુચકતા વાપરી ડે.કમિશનર હટી જતા તેઓ બચી ગયા હતાં. ઘટના બાદ ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાક્રમ અંગે મ્યુ. કમિશનર ઉપાધ્યાયે સૌરાષ્ટ્ર આસપાસ સાથેની ટેલિફોનીક વાતચિતમાં વિગતો આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, આ કિસ્સામાં કોર્પોરેશન તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.